Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘દિલમાં તું છે’ Category

ગઝલ તો ગાઉં પણ તારા સુધી એ જાય છે કે નઈં ?
મને જે થાય છે દિલમાં, તને તે થાય છે કે નઈં ?
“તને ચાહું છું” એવું બોલતો હરશબ્દ આ મારો,
હવે જોવાનું છે કે એ તને સંભળાય છે કે નઈં !


~~~~~~~~~~~~~~~


હું શબ્દ છું તો સૂર મારો તું થજે સનમ,
થઈને પ્રણયનું ગીત બધે ગૂંજજે સનમ !



પહેલાં નિહાળજે મને નખશીખ ને પછી,
મારી જ હાજરીમાં મને ઝૂરજે સનમ !



મુઠ્ઠીમાં ધૂળ લઈને હવામાં તું ફેંકજે,
કણકણમાં તે પછી મને તું ઢુંઢજે સનમ !



કારણ મને મળી રહે તુજને મનાવવા,
કોઈ નજીવી વાત પર તું રૂઠજે સનમ !



– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !


હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !


આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !


કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !


– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

હે પ્રિયજન,

પ્રેમનાં મારાં આ સરનામે હું રિષભ મહેતા, આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું !

આજે હું મારા ૬૦માં જન્મદિવસે મને આપની સમક્ષ આ રીતે પોતાનાં અસ્તિત્વને ખુલ્લું મૂકતાં ખુબ જ આનંદ અનુભવી રહ્યો છું. આ સાથે જ આપને દર અઠવાડીયે મારી એક રચના અહીં માણવા માટે આપને આમંત્રું છું, અને એ રીતે મને હંમેશા આપની પ્રતિક્ષા રહેશે.

તે દરમિયાન આપને હું આ પ્રેમના સરનામાં વિશે કંઈક મારી વાત સાંભળવા આમંત્રું છું. જે તમને “સરનામું પ્રેમનુ…” પાના હેઠળ મળી રહેશે. તદુપરાંત મારા “તિરાડ” ગઝલસંગ્રહની પ્રસ્તાવના આપને “તિરાડ – ગઝલસંગ્રહ” પાના પર મળી રહેશે.
સાથે સાથે હજી નવી સામગ્રી અહીં ઉમેરાતી રહેશે, જે પણ મારી જેમ જ આપની પ્રતિક્ષામાં મગ્ન રહેશે…

Read Full Post »