Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગઝલ’ Category

કેવાં તમે છો કે તમે સૌને ગમી ગયાં,
જગને ઝુકાવનાર પણ તમને નમી ગયાં.

આછી શરમથી આપનાં નયનો નમી ગયાં,
મારી નજરમાં ઈન્દ્રધનુ છમછમી ગયાં.

આકાશ રૂપે આપનો પાલવ મળી ગયો.
આંસુ અમારા તારલા થઈ ટમટમી ગયાં.

આભાર તુજ જુદાઈનો કે એને આશરે,
જીવનના સૌ અભાવના દુ:ખો શમી ગયાં.

સૌ આપના સમા જ છે શમણાં ય આપના,
તે પણ અમારી જિન્દગી સાથે રમી ગયાં.

એ મારી નમ્રતા કે તમારો અહમ હતો,
હું ચૂપ રહું એ જોઈ તમે સમસમી ગયાં.

‘બેતાબ’ અંધકારનો પર્યાય છું, મગર
સૂરજ તમે હતાં છતાંય આથમી ગયાં.

– રિષભ મહેતા ‘બેતાબ’

Advertisements

Read Full Post »

દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.

ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે.

તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.

એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

પ્યાર ઝળહળ છે : ઠગારી ઝંખના મારી હતી,
આગ આખર નીકળી જે જ્યોત મેં ધારી હતી.

એક અંગત વાત જીવનભર ન તમને કહી શક્યો,
જે મને નડતી રહી તે હાજરી મારી હતી.

શું કરે આ એકલી આંખો બિચારી તું કહે,
માત્ર આંસુઓ જ નો’તા યાદ પણ તારી હતી.

મારું મન જાણે હતું પનઘટ પ્રણયના દર્દનો,
યાદ તારી જાણે ભીંજાયેલ પનિહારી હતી.

એ મિલનની ચંદ ઘડીઓ જે સુખી લાગી હતી,
આજ જાણ્યું તે જ અમને દર્દ દેનારી હતી.

લોક સાચા પ્રેમ રૂપે જેને બિરદાવે છે, તે,
ના તને છોડી શક્યાની મારી લાચારી હતી.

ઓ  મરણ ! તું આવ, પણ મારું થઈને આવ ના,
જિંદગી પણ ના રહી જે એક દિ’ મારી હતી.

પ્રાણ લેવા વ્યર્થ કાં ‘બેતાબ’ તું આવો થયો,
પ્રાણ ધરવા પ્રેમમાં મારી જ તૈયારી હતી.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

કેટલા મગરૂર છે બે-ચાર લીલા શ્વાસ પર,
ક્યાં ખબર છે પાનખરનું રાજ છે મધુમાસ પર.

કેટલું કથળી ગયેલું છે કથાનક એમનું,
ટિપ્પણી કરતા રહ્યા જે વિશ્વના ઈતિહાસ પર.

એક કેવળ રણ ન એને સાચવી શકતે કદી,
કેટલાં મૃગજળ ટક્યાં છે એક મારી પ્યાસ પર.

એમને તો મારી હસ્તીની ખબર પણ ના પડી,
હું સતત શ્વસતો રહ્યો છું જેમના અહેસાસ પર.

આપ શું જાણો પ્રતીક્ષા કઈ બલાનું નામ છે ?
કોઈ દિ’ તડપ્યા છો મારા આગમનની આશ પર ?

કોઈ દિ’ ‘બેતાબ’ એ સળગી જશે મુજ આહથી,
ખૂબ આવે છે દયા મુજને કબરના ઘાસ પર.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

તું ગઝલની ક્ષણ રૂપે મળતી રહે,
દર્દના કારણ રૂપે મળતી રહે.

શ્વાસમાં ખૂશ્બૂ ભરીને નીકળું,
ને મને તું રણ રૂપે મળતી રહે.

સૌ સંબંધોએ તરછોડ્યો મને,
લાગણી સગપણ રૂપે મળતી રહે.

હું અનાયસે ઉગેલો સૂર્ય છું,
તું મને પ્રાંગણ રૂપે મળતી રહે.

ભીડ પણ ‘બેતાબ’ આ તનહાઈમાં,
એક પ્યારા જણ રૂપે મળતી રહે.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

ભીડમાં ચહેરો તમારો શોધતો,
પથ્થરોમાં જાણે પારો શોધતો.

જે જગાએ તું મને મૂકી ગયો,
તે જગામાં સ્પર્શ તારો શોધતો.

તું જુએ તો હું ય ગુલમ્હોરી ઊઠું,
માત્ર હું તારો ઈશારો શોધતો.

હું ડૂબી જવા ચહું તુજમાં અને,
તું સદા મારો કિનારો શોધતો.

તું બધા શબ્દોની પેલે પાર, ને,
હું ગઝલમાં અર્થ તારો શોધતો.

મેં મને ‘બેતાબ’ ખોયો એ રીતે,
કે મને હું એકધારો શોધતો.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

મને પ્રેમ કર !

વેલેન્ટાઇન દિવસ જેવાં પ્રેમસભર દિવસે આપ મિત્રો માટે એક ખુબ જ નજાકતભરી અને પ્રિયતમ પાસે ખુબ જ મીઠી માંગણી કરતી આ ગઝલ આપને ધરી રહ્યો છું … આશા છે આપ સ્વીકારશો …

ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર.
હું બચી જઈશ મને પ્રેમ કર

બધા વેદ ગ્રંથ પુરાણ સૌ,
હું કળી જઈશ, મને પ્રેમ કર.

એક શબ્દમાં એક શ્લોકને,
હું રચી જઈશ, મને પ્રેમ કર.

હું ખીલી ગયો તને જોઇને,
હું ખરી જઈશ, મને પ્રેમ કર.

છું તૂટી જવાની અણી ઉપર,
હું ટકી જઈશ, મને પ્રેમ કર.

હુંય સૂર્ય છું, હુંય ચંદ્ર છું,
હું ઊગી જઈશ, મને પ્રેમ કર.

હું નથી જ સુંદર તે છતાં,
હું ગમી જઈશ, મને પ્રેમ કર.

અડીખમ ઊભો હું પહાડ શો.
હું ઝુકી જઈશ, મને પ્રેમ કર.

હું અમસ્તો બેઠો નથી અહી,
હું ઉઠી જઈશ, મને પ્રેમ કર.

ગુમ હું થયો છું ન જાણે ક્યાં!
હું મળી જઈશ મને પ્રેમ કર.

– રિષભ મેહતા

Read Full Post »

Older Posts »