Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગાયત્રી ભટ્ટ’ Category

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

આ ગીત સાંભળવા માટે ગાગરમાં સાગર પર અહીં જાઓ

Advertisements

Read Full Post »

કોઈ પણ રીતે મળી જા તું મને,
ઝૂરતો પાછો મૂકી જા તું મને.

કોઈ પણ રીતે મળી જા તું મને,
ઝૂરતી પાછી મૂકી જા તું મને.

દાવ પર મૂકી છે મારી લાગણી,
ખેલ સમજીને રમી જા તું મને.

ઝેર જેવી જિંદગી જીવું છું હું,
હોય જો મીરાં તો પી જા તું મને.

એકલી છું કેટલી તારા વગર,
ભીડમાં મૂકી ભૂલી જા તું મને.

એકલો છું કેટલો તારા વગર,
ભીડમાં મૂકી ભૂલી જા તું મને.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

શું થશે આગળ હવે પાછળ હવે ? 
છોડ ચિંતા મન મૂકીને મળ હવે !

આપણી વચ્ચે કશું તો છે જરૂર,
લોક અમસ્તાં ના કરે અટકળ હવે.

કંઈક એવું છે કે જે બોલાય ના,
આંખથી આંખને તું સાંભળ હવે.

કોઈની લાગી જશે તુજને નજર,
આંખમાં આંજ્યા ન કર કાજળ હવે.

કેમ શોધ્યું પણ હવે જડતું નથી ?
ક્યાં ગયું મળવાનું પેલું સ્થળ હવે ?

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

એમ શાને થાય છે તારા વગર રહેવાય ના ?
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય ના !


ખુબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
રૂબરૂમાં તું મળે તો “કેમ છે?” પુછાય ના.


રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ?
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય ના.


એક દી’ તું આ નજરથી દૂર થઈ જાશે અને,
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય ના.


મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં,
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય ના.


આ બધું શાને લીધે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય ના સહેવાય ના સમજાય ના.


– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »


મારો ન થઈ શક્યો હું તમારો થયા વગર,
ઝીલે તો કોણ આભને બોલો ધરા વગર !


ઝૂકી જરાક હું જો તમારા ખભા ઉપર,
પંખી રહી શક્યું જ ના ટહૂકો કર્યા વગર.


ધબકાર એટલે જ હ્રદયના વધી ગયાં,
આવી વસ્યું છે કોઈ કશું પણ કહ્યાં વગર.


આવી વસ્યાં છો હોઠ ઉપર નામ થઈ તમે,
ચુંબન તમારું સાંપડ્યું તમને ચૂમ્યાં વગર !


આથી વધુ શું આપું પુરાવો હું પ્રેમનો,
તમને નિહાળું છું બધે તમને મળ્યા વગર.


– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

ગઝલ તો ગાઉં પણ તારા સુધી એ જાય છે કે નઈં ?
મને જે થાય છે દિલમાં, તને તે થાય છે કે નઈં ?
“તને ચાહું છું” એવું બોલતો હરશબ્દ આ મારો,
હવે જોવાનું છે કે એ તને સંભળાય છે કે નઈં !


~~~~~~~~~~~~~~~


હું શબ્દ છું તો સૂર મારો તું થજે સનમ,
થઈને પ્રણયનું ગીત બધે ગૂંજજે સનમ !પહેલાં નિહાળજે મને નખશીખ ને પછી,
મારી જ હાજરીમાં મને ઝૂરજે સનમ !મુઠ્ઠીમાં ધૂળ લઈને હવામાં તું ફેંકજે,
કણકણમાં તે પછી મને તું ઢુંઢજે સનમ !કારણ મને મળી રહે તુજને મનાવવા,
કોઈ નજીવી વાત પર તું રૂઠજે સનમ !– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !


હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !


આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !


કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !


– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

Older Posts »