Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગીત’ Category

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

આ ગીત સાંભળવા માટે ગાગરમાં સાગર પર અહીં જાઓ

Advertisements

Read Full Post »

હે પ્રિયજન,

પ્રેમનાં મારાં આ સરનામે હું રિષભ મહેતા, આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું !

આજે હું મારા ૬૦માં જન્મદિવસે મને આપની સમક્ષ આ રીતે પોતાનાં અસ્તિત્વને ખુલ્લું મૂકતાં ખુબ જ આનંદ અનુભવી રહ્યો છું. આ સાથે જ આપને દર અઠવાડીયે મારી એક રચના અહીં માણવા માટે આપને આમંત્રું છું, અને એ રીતે મને હંમેશા આપની પ્રતિક્ષા રહેશે.

તે દરમિયાન આપને હું આ પ્રેમના સરનામાં વિશે કંઈક મારી વાત સાંભળવા આમંત્રું છું. જે તમને “સરનામું પ્રેમનુ…” પાના હેઠળ મળી રહેશે. તદુપરાંત મારા “તિરાડ” ગઝલસંગ્રહની પ્રસ્તાવના આપને “તિરાડ – ગઝલસંગ્રહ” પાના પર મળી રહેશે.
સાથે સાથે હજી નવી સામગ્રી અહીં ઉમેરાતી રહેશે, જે પણ મારી જેમ જ આપની પ્રતિક્ષામાં મગ્ન રહેશે…

Read Full Post »