Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

રણના હ્રદયમાં ઝાંકવાનું મન થયું હતું,
મૃગજળ તમામ ચાખવાનું મન થયું હતું.

લક્ષ્મણને શી ખબર કે રેખા દોરવાથી શું ?
મૃગને જ્યાં હૈયે ચાંપવાનું મન થયું હતું.

આ તારા સ્મરણ-પુષ્પના સૌગંદ છે મને,
આ મ્હેંકને મહેંકાવવાનું મન થયું હતું.

આકાશને ય કાશ એની થઈ જતે ખબર,
સૂરજને રાત રાખવાનું મન થયું હતું.

એ ઠીક કે ‘બેતાબ’ રાશ આવ્યો અંધકાર,
નહિંતર સૂરજને બાળવાનું મન થયું હતું.

– રિષભ મહેતા ‘બેતાબ’

Advertisements

પ્રશ્ન એવો પૂછજે જેનો જવાબ આપી શકું,
નાની સરખી નોંધથી માંડી કિતાબ આપી શકું.

કંટકો વચ્ચે સજાવી છે મેં મારી જાતને,
એટલા માટે કે હું તમને ગુલાબ આપી શકું.

ક્યાં ખબર છે બંધ કે ઊઘડતી સિલ્લક કેટલી ?
પૂરેપૂરો શી રીતે મારો હિસાબ આપી શકું ?

કેટલા વેરાન ચ્હેરા છે ફૂલોના બાગમાં –
કેવી રીતે કોઈના કરમાં હું છાબ આપી શકું ?

એક એવો ચ્હેરો જે ‘બેતાબ’ ગમતો ના મને,
કાશ ! દુનિયાની કુરૂપતાને નકાબ આપી શકું !

– રિષભ મહેતા ‘બેતાબ’

મારે તમને મળવું છે

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

આ ગીત સાંભળવા માટે ગાગરમાં સાગર પર અહીં જાઓ

કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે,
રોજ સુરજ લઈને આવે ને છતાં ઉષા ન દે.

કમ-સે-કમ લાલાશ તો દઈ દે તું ઢળતા સૂર્યની,
હું નથી કહેતો કે મારે આંગણે સંધ્યા ન દે.

ચાલતા રહેવાની હિંમત આપતા તો હોય છે,
લોક કિન્તુ મંઝિલે પહોંચી જવા રસ્તા ન દે.

એક તરફ આંખ કે જેને જગત નાનું પડે,
એક તરફ આંખનો અહેસાસ જે જોવા ન દે.

એટલું અંતર રહે તદબીર ને તકદીરમાં,
એક પ્યાલો છલછલાવે ને બીજું પીવા ન દે.

દર્દને નિસ્બત ફક્ત અશ્રુથી ક્યાં ‘બેતાબ’ છે ?
કંઈક એવા પણ મળ્યા છે દર્દ જે રોવા ન દે.

– રિષભ મહેતા ‘બેતાબ’

પતંગ !!!

સૌ મિત્રો, પ્રિયજનો ને ઉત્તરાયણની ખુબ ખુબ શુભેચ્છાઓ… સૌને HAPPY KITE FLYING… !! એક દિવસ મોડો પડ્યો છું પણ શુભેચ્છાઓ એક્દમ તાજી છે અને હા, ખાલી હાથ લઈને નથી આવ્યો, એક પતંગમય ગઝલ પણ આપના માટે ખાસ, લાવ્યો છું…


હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !


ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !


આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !


મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !


એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !


કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !


ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?


એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !


આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …


એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!


હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…


સૌ મિત્રોને ફરીથી મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ… !!

રિષભ

હેપ્પી ન્યુ યર !!!

હે પ્રિયજન !

‘સરનામું પ્રેમનું’ મેં આપને આપ્યું અને આપ તરત આવી પહોંચ્યાં એ બદલ આપનો આભાર માનું તો પણ કયા શબ્દોમાં ?

અમે કાગળ લખ્યો; ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો…
ટપાલી પણ વદ્યો: ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો…!

ચૂંટીને બાગમાંથી અવનવાં પુષ્પો તણી પંક્તિ
અમે ગજરો ગૂંથ્યો; ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો…!

‘તને ચાહું છું’ એવું કાનમાં ધીમેથી મેં કીધું
ફક્ત મત્લો કહ્યો; ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો.

કહું તું ‘યાર’ તો હું ‘પ્યાર’ છું ને કાફિયા જેવો ?
સવાલ એવો કર્યો ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો.

કદી સાકી નથી મળતી, કદી પ્યાલી નથી મળતી
હું આવું કરગર્યો ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો.

મને લાગ્યું કે રણમાં ભાગતું તરસ્યું હરણ હું છું
જરા હું તરફડ્યો; ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો…!

હતો હું જ્યાં સુધી સાથે, ન બોલ્યાં એક પણ અક્ષર
જરા છૂટો પડ્યો; ‘એનો’ ગઝલ જેવો જવાબ આવ્યો…!

પઢી પોથી જીવનભર તે છતાં પણ ના મળ્યો ઉત્તર
અઢી અક્ષર ઘૂંટ્યો એનો ગઝલ જેવો જવાબ આવ્યો…!

ગઝલ અર્થાત કેવળ પ્રેમ કેવળ પ્રેમમાં શ્રદ્ધા
અમે પથ્થર પૂંજ્યો એનો ગઝલ જેવો જવાબ આવ્યો…!

આપનો ગઝલ જેવો નજાકતભર્યો, મહોબત ભર્યો, રાહત ભર્યો જવાબ વાંચી કૃતાર્થ થયો. ઘણાં જૂના પરિચયો ફરી એક વાર તાજા થયાં… દૂર છૂટી ગયેલ સ્વજન અને તેમનાં સ્મરણ પાછાં મળ્યાં… વારંવાર મળવાનું હવે એક કારણ પણ મળ્યું છે; સ્થાન પણ મળ્યું છે ! હા, એક કુટેવ છે મારી; સમયસર નથી મળી શકતો; સમયસર સમયને નથી કળી શકતો… તેના જ પરીણામે તો ‘અઢી અક્ષર ઘૂંટતાં’ આટલો સમય લાગ્યો… ‘સરનામું પ્રેમનું’ આપ સુધી પહોંચાડવામાં આટલો વિલંબ થયો… તો ક્ષમા કરશો. હા, એક વાત સાચી… જ્યારે પણ મળીશ પૂરેપૂરો મળીશ, મન મૂકીને મળીશ…

Christmas હમણાં જ ગઈ ! Belated Merry Christmas To All of You My Dear Dear Friends. May The Christmas Bells Make All Your Moments Melodious. May The Christmas Lights Illumine Your Insight And Every Dark Corner You Look AT Becomes Bright. May Jesus Christ Bring In Your Life Eternal Peace, Increases Love And Never-ending Tolerance… May God Bless Us All.

૨૦૧૦ આવી ચૂક્યું છે… નવુ વરસ એમ તો ક્યાં નવું હોય છે ? એનો એ સૂરજ; એનો એ સમીર… એનો એ જ પંખીઓનો કલશોર; એની એ નદી અને એનું વહેણ… એનો એ જ દરીયો અને એનો ઘૂઘવાટ… એના એ જ રસ્તા… એના એ જ રોજ રસ્તે મળતાં માણસો, મિત્રો… એનો એ જ ટ્રાફીક, એની એ જ ઓફીસ… એનું એ જ કામ… બધું જ તો એનું એ હોય છે ! હા, કેલેન્ડરનું પાનું એનું એ હોતું નથી… પણ માત્ર પાનું બદલવાથી જ શું બધું  બદલાઈ જાય ? જૂનું ખરી પડે, નવું ખીલી જાય ? એવું બને ખરું ? મને મારા પ્રિય મિત્ર અને પ્રિય કવિ, મકરંદ મૂશળેની એક મને ખૂબ જ ગમતી ગઝલનો મત્લો આપ સૌને આ નવા વર્ષે અર્પણ કરવાની ઈચ્છા છે… બધું જ બદલાઈ શકે… થો-ડી-ક ક્રિયા; થો-ડી-ક પ્રક્રિયા બદલવી પડે… પથારીમાંથી ઉઠતાંની સાથે જ અથવા એથીય વધુ ઉઠતાં પહેલાં જ ‘જાગી’ જવું પડે… તો બધું જ નવું નકોર બને; પ્રત્યેક પળે બને … સતત બનતું જ રહે… મકરંદભાઈ કહે છે —

હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો…!
નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો…!

તો ચાલો, હવે જાગી જઈએ… જાગી જઈશું તો નવું આપોઆપ થશે… દર નવું વર્ષ આપણને એ જ તો કહે છે — ‘સમય તો થઈ ગયો !’ કેલેન્ડરનું બદલાયેલું પાનું પણ એ જ કહે છે — ‘સમય તો થઈ ગયો !’ નવા વરસનો સૂરજ, નવા વરસનો સમીર, નવા વરસની નદી, નવા વરસનો સાગર, નવા વરસનું ફૂલ, નવા વરસની ધૂળ, નવા વરસનાં રસ્તા, રસ્તા પર મળતાં મિત્રો, ઓફીસ, ઓફીસનું કામ – આ બધું જ આપણને ફરી એક વાર, બે હજારને નવ નવ વાર કહ્યાં છતાં આપણે હજી નથી જાગ્યાં તેથી કહી રહ્યું છે — ‘હવે તો જાગવું જ જોઈએ સમય તો થઈ ગયો !’

તો આ નવે વરસે આપણે સૌ એકબીજાને "જાગી જવાની" શુભકામના પાઠવીએ… જાગી જઈશું તો જ તો નવું કશુંક થશે… અને નવું કશુંક ન જ થાય તો નવું વરસ નવું શાનું ?

તેથી આપ સૌ માટે દુઆ કરું છું કે આપ જાગો અને…

મનની બધી મુરાદ ફળો એટલી દુઆ,
જે ઈચ્છતા હો તે જ મળો, એટલી દુઆ,
સમજી નહી શકો ભલે મારી જુબાન પણ —
મારા હ્રદયની વાત કળો, એટલી દુઆ…!

HAPPY NEW YEAR DEAR…

આપનો ઋણાનુરાગી
રિષભ
કોઈ પણ રીતે મળી જા તું મને

કોઈ પણ રીતે મળી જા તું મને,
ઝૂરતો પાછો મૂકી જા તું મને.

કોઈ પણ રીતે મળી જા તું મને,
ઝૂરતી પાછી મૂકી જા તું મને.

દાવ પર મૂકી છે મારી લાગણી,
ખેલ સમજીને રમી જા તું મને.

ઝેર જેવી જિંદગી જીવું છું હું,
હોય જો મીરાં તો પી જા તું મને.

એકલી છું કેટલી તારા વગર,
ભીડમાં મૂકી ભૂલી જા તું મને.

એકલો છું કેટલો તારા વગર,
ભીડમાં મૂકી ભૂલી જા તું મને.

– રિષભ મહેતા ‘બેતાબ’