Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 21st, 2010

તું ગઝલની ક્ષણ રૂપે મળતી રહે,
દર્દના કારણ રૂપે મળતી રહે.

શ્વાસમાં ખૂશ્બૂ ભરીને નીકળું,
ને મને તું રણ રૂપે મળતી રહે.

સૌ સંબંધોએ તરછોડ્યો મને,
લાગણી સગપણ રૂપે મળતી રહે.

હું અનાયસે ઉગેલો સૂર્ય છું,
તું મને પ્રાંગણ રૂપે મળતી રહે.

ભીડ પણ ‘બેતાબ’ આ તનહાઈમાં,
એક પ્યારા જણ રૂપે મળતી રહે.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »

ભીડમાં ચહેરો તમારો શોધતો,
પથ્થરોમાં જાણે પારો શોધતો.

જે જગાએ તું મને મૂકી ગયો,
તે જગામાં સ્પર્શ તારો શોધતો.

તું જુએ તો હું ય ગુલમ્હોરી ઊઠું,
માત્ર હું તારો ઈશારો શોધતો.

હું ડૂબી જવા ચહું તુજમાં અને,
તું સદા મારો કિનારો શોધતો.

તું બધા શબ્દોની પેલે પાર, ને,
હું ગઝલમાં અર્થ તારો શોધતો.

મેં મને ‘બેતાબ’ ખોયો એ રીતે,
કે મને હું એકધારો શોધતો.

– રિષભ મહેતા ‘બેતાબ’

Read Full Post »